Gujarat Board GSEB Std 11 Gujarati Textbook Solutions Std 11 Gujarati Lekhan Kaushalya Patra Lekhan પત્રલેખન Questions and Answers, Notes Pdf.
GSEB Std 11 Gujarati Lekhan Kaushalya Patra Lekhan
Std 11 Gujarati Lekhan Kaushalya Patra Lekhan Questions and Answers
પત્રલેખન એ કલા છે. લખનાર પોતાની વાત અસરકારક રીતે સમજાવી શકે. પત્રલેખનથી લેખનશક્તિનો વિકાસ થાય છે.
પત્રના પ્રકારો નીચે મુજબ છેઃ
- અંગત પત્રો,
- ધંધાદારી પત્રો અને
- અરજી પત્ર.
તમારે અંગત પત્રો – પારિવારિક પત્રો લખવાના છે.
અંગત પત્રમાં લખનારની અને તેના પરિવારની લાગણી તથા નાનાં-મોટાં કામોની ઘરગથ્થુ વિગતોનું આલેખન હોય છે.
પત્રલેખન કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો
1. સરનામું પત્ર લખનાર વ્યક્તિએ પોતાનું સરનામું પત્રની ઉપરની જમણી બાજુએ લખવાનું હોય છે. સરનામામાં પિનકોડ ખાસ લખવો :
ઉદાહરણ :
રાકેશ શાહ
એ-37, વૈભવ બંગલોઝ,
શાહીબાગ, અમદાવાદ-380 004.
2. સંબોધનઃ પત્ર લખનારનો, જેના પર પત્ર લખાયો છે તેની સાથે કયા પ્રકારનો સંબંધ છે તે મુજબ સંબોધન કરવામાં આવે છે. ઉંમરમાં મોટી વ્યક્તિ માટે પૂજ્ય’, “આદરણીય’ કે “મુરબ્બી’ લખાય છે. સરખી ઉંમરની વ્યક્તિ માટે પ્રિય’, ‘સ્નેહી’ લખાય છે, જ્યારે નાની ઉંમરની વ્યક્તિ માટે ‘ચિ. (ચિરંજીવી)’ લખાય છે.
૩. પત્રનો વિષય: પત્રમાં સંબોધન પછી તરત પરસ્પરની શુભકામના વ્યક્ત કરતા શબ્દો મુકાય છે. ત્યારબાદ જે કામ માટે પત્ર લખ્યો હોય તેની વાત ટૂંકમાં અને સરળ શૈલીમાં લખવામાં આવે છે. પત્ર અતિ લાંબો ન હોવો જોઈએ.
4 સમાપન : પત્રને અંતે જમણી બાજુ સંબંધ અનુસાર ‘તારો મિત્ર’, ‘તારી બહેન’, “આપનો આજ્ઞાતિ’ વગેરે શિષ્ટાચાર લખાય છે.
ત્યારબાદ જેને પત્ર લખાયો છે તેનું પોસ્ટલ સરનામું સ્પષ્ટ અને સુવાચ્ય અક્ષરોમાં લખવાનું હોય છે.
પ્રશ્ન 1.
તમારો મિત્ર ધોરણ 10માં ઉચ્ચ ગુણાંક સાથે ઉત્તીર્ણ થયો છે, તેને શુભેચ્છા આપતો પત્ર લખો.
ઉત્તર :
અશોક પંચાલ
101, સમર્પણ ટાવર,
વાડજ,
અમદાવાદ-380 018.
તા. 5 – 6 – 2018
પ્રિય મિત્ર બંસલ,
સૌ મજામાં હશો. અમે અહીં આનંદમાં છીએ.
ધોરણ 10માં 92 ટકા જેટલા ઉચ્ચ ગુણાંક મેળવી તું ઉત્તીર્ણ થયો એ સમાચારથી સૌને ખુશી થઈ. તારી મહેનતનું તને ખૂબ જ સારું પરિણામ મળ્યું. ‘સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય’ કહેવત તેં સાર્થક કરી બતાવી.
અમારો આખો પરિવાર તને અભિનંદન પાઠવે છે. હવે જુલાઈ સુધી તને સમય છે, તેથી તેં આપેલા વચન પ્રમાણે અહીં બે-ચાર દિવસ ફરવા આવજે. ગરમી છે પણ સાથે સાથે કેરીનો રસ ખાવાની પણ મોસમ છે. સો તારી આવવાની રાહ જોઈ રહ્યાં છે. અમે ફરવાનો કાર્યક્રમ પણ બનાવી રાખ્યો છે. તારાં માતા-પિતાને મારા પ્રણામ.
તારો મિત્ર
અશોક
પ્રશ્ન 2.
તમારા મિત્રને પાણીનું મહત્ત્વ સમજાવતો પત્ર લખો.
ઉત્તર :
પ્રદીપ જોષી
9, શુભલક્ષ્મી ટાઉનશિપ,
વડોદરા – 390 005.
તા. 25 – 5 – 2018
પ્રિય મિત્ર પંકજ,
તારો પત્ર મળ્યો, આનંદ થયો. તેં આમંત્રણની સાથે પાણી લેતો આવજે મજાકમાં લખ્યું છે તે ખરેખર આજની સમસ્યાને વાચા આપે છે.
હવા, પાણી અને ખોરાક મનુષ્યની પ્રાથમિક જરૂરિયાતો છે, તેમાં પાણીની સમસ્યા અતિ ગંભીર છે. પાણીનું કેટલું બધું મહત્ત્વ છે! પાણી વિના જીવી ન શકાય, ખેતરોમાં પાક ન લઈ શકાય તેમજ કેટલાક ઉદ્યોગોમાં માલ તૈયાર ન કરી શકાય. પાણી વિના વનસ્પતિ સૃષ્ટિ – વૃક્ષો, વેલાઓ, છોડ- સુકાઈ જાય. સૃષ્ટિનું સૌંદર્ય હણાઈ જાય. સર્વત્ર રણ જેવું લાગે.
પાણીનું એક એક ટીપું અતિ કીમતી છે. તેથી પાણીનો બગાડ ન થાય એ જોવાની આપણા સૌની ફરજ છે. આપણે તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. હું આવતા અઠવાડિયે જરૂર આવીશ, વૉટર બૅગ સાથે!
તારો મિત્ર
પ્રદીપ
પ્રશ્ન 3.
તમારો મિત્ર દસમા ધોરણમાં બોર્ડની પરીક્ષામાં નાપાસ થયેલ છે, તેને આશ્વાસન આપતો પત્ર લખો.
ઉત્તર :
આદિત્ય પટેલ
6, કેકારવ સોસાયટી,
વસ્ત્રાપુર,
અમદાવાદ – 380 054
તા. 25 – 6-2018
પ્રિય મિત્ર દીપ,
સૌ કુશળ હશો.
ધોરણ 10નું તારું પરિણામ જાણી અમને ઘણું દુઃખ થયું. તું નાપાસ થયો છે તે હકીકત છે, પણ સંજોગો જ એવા આવ્યા કે તું મહેનત કરી શક્યો નહિ. પહેલાં દાદાની માંદગી અને તેમનું અવસાન. પછી મમ્મીની માંદગી જે બે મહિના ચાલી. ત્યારપછી તું ટાઈફૉઈડમાં પટકાયો. બે મહિનાની માંદગી અને અશક્તિના કારણે તે શાળાએ ન જઈ શક્યો તેમજ ઘરે પણ અભ્યાસ ન કરી શક્યો. બધું આપણું ધાર્યું! Man proposes, God disposes.
તારે હતાશ થવાની જરૂર નથી. હવે તું સંપૂર્ણ સ્વસ્થ છે. ઉત્સાહ રાખી મહેનત કરજે. તને સફળતા જરૂર મળશે. હું આવતા અઠવાડિયે તને મળવા આવવાનો છું. તારાં મમ્મી-પપ્પાને મારા પ્રણામ.
તારો મિત્ર
આદિત્ય
પ્રશ્ન 4.
તમારી નાની બહેન ગીત સ્પર્ધામાં પ્રથમ આવી છે, તેને અભિનંદન આપતો પત્ર લખો.
ઉત્તર :
કંદર્પ ત્રિવેદી
7, સાધના સોસાયટી,
ગોધરા.
તા. 13-9-2018
પ્રિય બહેન પ્રાચી,
કુશળ હશો. અમે અહીં કુશળ છીએ.
ગીતસ્પર્ધામાં તને પ્રથમ ઈનામ મળ્યું છે તે જાણ્યું અને વૉટ્સ ઍપમાં તારો ફોટો પણ જોયો. અમને સૌને ખૂબ જ આનંદ થયો. અમે તને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ.
નાની હતી ત્યારથી જ તને ગાવાનો શોખ છે. હાથમાં ઢીંગલી લઈ તું કેવાં સુંદર બાળગીતો મધુર કંઠે ગાતી હતી ! દાદીમા તો તને કોયલ’ કહે છે તે તદન સાચું છે. તારી સંગીતમાં રસરુચિ જોઈને મમ્મી-પપ્પાએ તને સંગીતના વર્ગમાં મૂકી. ત્યાં તારો સ્વર કેળવાતો ગયો અને હવે તું ગીતસ્પર્ધામાં ભાગ લેતી થઈ તેમજ ઇનામ પણ મેળવતી થઈ.
તું સંગીતના ક્ષેત્રમાં ખૂબ પ્રગતિ કરીશ તેવી મને આશા છે અને તે માટે શુભેચ્છા પણ પાઠવું છું. તારાં ગીતો મને મોકલજે.
તારો ભાઈ
કંદર્પ
પ્રશ્ન 5.
તમે માંદગીને લીધે એક અઠવાડિયા સુધી શાળાએ જઈ શકો તેમ નથી. તમારા વર્ગશિક્ષકને રજા મંજૂર કરવા માટે રજાચિઠ્ઠી લખો.
ઉત્તરઃ
છાયા કાકડિયા
9, વર્ધમાન કૃપા,
આણંદ.
તા. 12 – 8 – 2018
પ્રતિ,
માનનીય પ્રવીણભાઈ ભટ્ટ,
વર્ગશિક્ષકશ્રી, ધોરણ 11
સી. કે. વિદ્યાલય, આણંદ.
વિષય: માંદગીની રજા મંજૂર કરવા બાબત.
પૂજ્ય સાહેબશ્રી,
સાદર પ્રણામ.
સવિનય જણાવવાનું કે મને બે દિવસથી સખત તાવ આવે છે. અમારા ફેમિલી ડૉક્ટરે લોહીની તપાસ કરાવ્યા પછી મને મલેરિયા હોવાનું નિદાન કર્યું છે. મને એક અઠવાડિયું દવા લેવાની અને સંપૂર્ણ આરામ કરવાની સૂચના આપી છે.
હું તા. 13-8-2018 થી તા. 19 -8-2018 સુધી શાળાએ = આવીશ નહિ. આપને મારી અઠવાડિયાની રજા મંજૂર કરવા વિનંતી છે.
હું ખાતરી આપું છું કે અઠવાડિયા પછી મને સારું થઈ જતાં : હું મારું ઘરકામ પૂરું કરી લઈશ.
આપની આજ્ઞાંકિત વિદ્યાર્થિની
છાયા
ધો. 11, રોલ નં. 26
પ્રશ્ન 6.
તમારી શાળાના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો વિદાય-સમારંભ યોજાયો. તમારા મિત્રને તેની જાણ કરતો પત્ર લખો.
ઉત્તરઃ
પ્રણવ પટેલ
1, સ્વાતિ સોસાયટી,
વડોદરા.
તા. 3 – 2 – 2018
પ્રિય મિત્ર પ્રમોદ,
તારી કુશળતાનો પત્ર મળ્યો. આનંદ થયો.
આ વર્ષે અમારી શાળામાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો સંયુક્ત વિદાય-સમારંભ યોજાયો. શાળાના પ્રાર્થનાખંડને કાગળનાં તોરણોથી શણગારવામાં આવ્યો હતો. મુખ્ય મહેમાન તરીકે જાણીતા કેળવણીકાર પ્રિયકાન્ત પટેલને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પ્રાર્થનાગીતથી વિદાય-સમારંભનો મંગલ પ્રારંભ થયો. મહેમાનનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું.
ધોરણ 10 અને 12ના કેટલાક વિદ્યાર્થીઓએ શાળાજીવનના પોતાના અનુભવો વર્ણવ્યા, જેમાં હું પણ હતો. અમારા ગુજરાતીના શિક્ષક અને આચાર્યએ અમને સો શિક્ષકગણવતીથી શુભેચ્છાઓ પાઠવી અને કેટલીક જીવન-ઉપયોગી શિખામણ આપી. મુખ્ય મહેમાને પણ અમને નીતિપરાયણ જીવવાનો બોધ આપ્યો અને અમને ખૂબ પ્રગતિ કરવાની શુભેચ્છા પાઠવી.
અંતમાં આઇસક્રીમનો મીઠો સ્વાદ માણી અમે સૌએ ભારે હૈયે શાળાની વિદાય લીધી.
તારાં મમ્મી-પપ્પાને મારા પ્રણામ.
તારો મિત્ર
પ્રણવ